મોરબી તાલુકામાં ટ્રક અને ડમ્પર જેવા ભારે વાહનોમાંથી ડીઝલની ચોરી કરતી ટોળકીનાં બે સાગરીતોને પકડી પાડ્યા છે. પોલીસે સમા ગેંગના બે આરોપીઓને મોટી માત્રામાં ડીઝલના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. જયારે એક આરોપી ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમને મળેલ બાતમીના આધારે ડીઝલ ચોરીના ગુન્હાઓને અંજામ આપનાર “સમા ગેંગ” ના અયુબ મલુક સમા તથા પ્રદીપભાઇ અમુભાઇ મીયાત્રા નામના બે ઇસમોને રૂ ૧૫૭૫૦/-ની કિંમતના ૧૭૫ લીટર ડીઝલ તથા ૭૯૫ લીટર ડીઝલના વેચાણના રોકડા ૪૭,૫૦૦/- મળી કુલ રૂ.૬૩,૨૫૦/-નાં મુદામાલ સાથે પકડી પાડી પાડ્યા છે. જયારે અસલમ ઉર્ફે અનવર કમાલ સમા ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ હાઇવે રોડ ઉપર તેમજ પાર્કીંગ પડેલ વાહનોમાંથી ડીઝલ ટેંન્ક ઢાંકણા તોડી પાઇપ મારફતે ડીઝલ ચોરી કરતા હતા.









