ટંકારા: મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ આજે સાંજે ટંકારા ખાતે ઓચિંતી મુલાકાત લેતા સરકારી કર્મચારીઓમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ હતી.
ગઈકાલે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી બાદ, આજે બીજા જ દિવસે જિલ્લા વડાએ ગ્રાઉન્ડ લેવલની કામગીરી તપાસવા જાતે મેદાનમાં ઉતરી આવ્યા હતા.
સાંજે 6 વાગ્યે મામલતદાર કચેરીમાં ધામા
સામાન્ય રીતે ઓફિસનો સમય પૂરો થવાની તૈયારીમાં હોય ત્યારે, સાંજે બરાબર 6:00 વાગ્યે કલેક્ટર કે.બી. ઝવેરી ટંકારા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. કલેક્ટરની ગાડી કચેરીના પટાંગણમાં આવતા જ સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. તેમણે કચેરીની વિવિધ શાખાઓમાં જઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને પેન્ડિંગ ફાઈલો તેમજ અરજદારોના પ્રશ્નો અંગે પૃચ્છા કરી હતી.
ગ્રામ્ય પંચાયતોની પણ લીધી મુલાકાત
માત્ર મામલતદાર કચેરી જ નહીં, પણ કલેક્ટરે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પંચાયત કચેરીઓની મુલાકાત લીધી હોવાના અહેવાલ મળ્યા છે. છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે છે કે કેમ અને પંચાયત સ્તરે વહીવટ કેવો ચાલી રહ્યો છે, તેની તેમણે પ્રત્યક્ષ વિગતો મેળવી હતી.
ચુસ્ત શિસ્તનો સંદેશ
જિલ્લા વડાના આ ઓચિંતા ચેકિંગને કારણે આળસુ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. પ્રજાસત્તાક પર્વની રજાના મૂડમાંથી બહાર આવીને વહીવટી તંત્ર કામમાં જોતરાયેલું રહે તેવો સ્પષ્ટ સંદેશ આ વિઝિટ દ્વારા આપવામાં આવ્યો હોય તેમ જણાય છે.









