મોરબી તાલુકાના વિવિધ વિસ્તારોમાં ડીઝલ ચોરીના ગુનાઓ આચરતી ‘સમા ગેંગ’ના નાસતા ફરતા બે આરોપીઓને મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે મળેલ બાતમીને આધારે સ્વીફ્ટ કાર સાથે ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ નોંધાયેલા બે ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની પણ ગણતરીના દિવસોમાં અટકાયત કરી પોલીસે આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
મોરબી તાલુકા વિસ્તારમાં ડીઝલ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ ‘સમા ગેંગ’ના વધુ બે સાગરીતોની મોરબી તાલુકા પોલીસે અટક કરી છે. મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગ દ્વારા મિલ્કત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ડીઝલ ચોરીની બે અલગ અલગ ફરિયાદમાં અગાઉ બે આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી જ્યારે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ નાસતા ફરતા હોવાથી તેમને ઝડપી પાડવા માટે તાલુકા પોલીસ મથક પીઆઇના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.
આ દરમિયાન સર્વેલન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડીઝલ ચોરીના ગુનાઓને અંજામ આપનાર ‘સમા ગેંગ’ના પકડવાના બાકી બે આરોપી અસ્લમભાઇ ઉર્ફે અનવરભાઇ કમાલમિશ્ર સમા રહે. માધાપર જુનાવાસ તા.ભુજ જી.કચ્છ અને આરોપી ઉસ્માણભાઇ મલેકભાઇ સમા રહે.માધાપર જુનાવાસ તા.ભુજ, જી.કચ્છ વાળાને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૧૨-સીડી-૦૦૭૦ ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે મોરબી તાલુકા પોલીસ દ્વારા સમગ્ર ગેંગ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.









