મોરબી તાલુકાના આમરણ તથા નાગડાવાસ ગામે અપમૃત્યુના બે અલગ-અલગ બનાવ નોંધાયા છે. જેમાં આમરણ ગામે વીજ કરંટથી યુવાનનું મોત થયું, જ્યારે નાગડાવાસ ગામે તળાવમાં ડૂબી જવાથી બાળકનું કરુણ મોત નિપજ્યું હતું. બંને બનાવોમાં મોરબી તાલુકા પોલીસે અ.મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુનો પ્રથમ બનાવ આમરણ ગામે નોંધાયો છે, જેમાં સુખદેવ ચુનિયાભાઇ લોહરા ઉવ.૧૯ રહે. આમરણ તા.જી.મોરબી મૂળ ઝારખંડ વાળા ગઈકાલે તા.૨૭/૦૧ ના સવારે અંદાજે સાડા નવ વાગ્યાના સમયગાળા દરમિયાન વિજળીના થાંભલા પર કામ કરવા ચડ્યા હતા. દરમિયાન અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાના પગલે તેમને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર પૂર્વે જ તેમનું મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે અ.મોતની નોંધ કરી છે.
જ્યારે બીજો બનાવ નાગડાવાસ ગામે બન્યો છે, જેમાં પીયુષભાઈ અનુભાઈ પરમાર ઉવ.૦૪ રહે. નાગડાવાસ ગામ તા.જી.મોરબી વાળો તળાવના પાણીમાં અચાનક ડૂબી જતા મોતને ભેટ્યા હતા. બનાવ બાદ બાળકની લાશ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. આ બાબતે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી, ઇન્કવેસ્ટ પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









