મોરબી મહાનગરપાલિકાએ ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહી કરતા નાની કેનાલ રોડ પર આવેલા તિરુપતિ હાઈટ્સના ત્રણ એપાર્ટમેન્ટ સીલ કર્યા છે. અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં બાંધકામ ચાલુ રાખતા અંતે ટીપી શાખા દ્વારા સીલિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે.
મોરબી શહેરમાં બિનઅધિકૃત બાંધકામ સામે મહાનગરપાલિકાની કાર્યવાહી સતત ચાલુ છે. આ અંતર્ગત શહેરના નાની કેનાલ રોડ વિસ્તારમાં આવેલ તિરુપતિ હાઈટ્સ નામના ત્રણ એપાર્ટમેન્ટને આજે મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાએ જણાવ્યું હતું કે, તિરુપતિ હાઈટ્સના માલિકોને અગાઉ બાંધકામની મંજૂરી વિના કામગીરી કરતા હોવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં બાંધકામ કામગીરી ચાલુ રાખવામાં આવતા આજે ટીપી (ટાઉન પ્લાનિંગ) શાખા દ્વારા ત્રણેય એપાર્ટમેન્ટને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવનાર સમયમાં પણ શહેરમાં ચાલતા તમામ બિનઅધિકૃત બાંધકામ સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. સાથે જ શહેરવાસીઓને અપીલ કરી હતી કે, નિયમોનું પાલન કરી યોગ્ય મંજૂરી લીધા બાદ જ બાંધકામ કાર્ય હાથ ધરે, નહિતર કાયદેસર કાર્યવાહીનો સામનો કરવો પડશે.









