Thursday, January 29, 2026
HomeGujaratરેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા મોરબી જીલ્લા પોલીસની કામગીરી તૈયારીઓનું નિરીક્ષણ કરાયું

રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા મોરબી જીલ્લા પોલીસની કામગીરી તૈયારીઓનું નિરીક્ષણ કરાયું

ક્રાઇમ રેટ ઘટાડવા, નશા-જુગાર, અસામાજિક તત્વો અને સાયબર ગુનાઓ સામે કડક કાર્યવાહી, જનસુરક્ષા પ્રથમ પ્રાથમિકતા.

- Advertisement -
- Advertisement -

વર્ષ-૨૦૨૫ દરમ્યાન મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જીલ્લા પોલીસ દ્વારા વ્યાપક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી છે. મિલ્કત તથા શરીર સંબંધી ગુનાઓમાં પ્રોહિબીશન-જુગાર સામે કડક અભિયાન, નાસતા ફરતા આરોપીઓની ધરપકડ, ટ્રાફિક નિયંત્રણ, સાયબર ક્રાઇમમાં નાણાં પરત અપાવવાની કામગીરી તેમજ અસામાજિક તત્વો સામે કાયદેસર પગલાંઓને કારણે જિલ્લાની સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર મજબૂતી આવી છે.

મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મજબૂત રહે, ક્રાઇમ રેટમાં ઘટાડો થાય અને દરેક નાગરિક ભય વિના જીવન અને વેપાર કરી શકે તે હેતુથી, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ રેન્જના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસ અધીક્ષક દ્વારા વર્ષ-૨૦૨૫ દરમ્યાન તમામ સુપરવિઝન અધિકારીઓ અને પોલીસ સ્ટેશનો સાથે સંકલન કરી અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લાની ભૌગોલિક સ્થિતિ કચ્છ, જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જીલ્લાઓને લાગતી હોવાથી સુરક્ષા દ્રષ્ટિએ વિશેષ સતર્કતા રાખવામાં આવી છે. મોરબી જીલ્લામાં હાલ ૨ ડિવિઝન, ૧૦ પોલીસ સ્ટેશન, ૮ ચોકી અને ૧૨ આઉટ પોસ્ટ ઉપરાંત સીટી ટ્રાફિક તથા જીલ્લા ટ્રાફિક શાખા કાર્યરત છે. ઘડિયાળ, સીરામિક, સેનેટરીવેર, પેપર મિલ જેવા ઉદ્યોગો તથા ધાર્મિક અને પ્રવાસન સ્થળોને ધ્યાનમાં રાખી બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવાઈ છે.

વર્ષ-૨૦૨૫ દરમિયાન લૂંટના ગુનાઓમાં ૮૩%, ધાડમાં ૧૦૦%, ઘરફોડ ચોરીમાં ૭૧% અને વાહન સહિત અન્ય ચોરીમાં ૭૪% ગુનાઓ શોધી કાઢી મોટા પ્રમાણમાં મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે. હત્યા, હત્યાની કોશિશ અને રાયોટીંગ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે ત્વરિત અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. નશા અને જુગારની બદી દૂર કરવા માટે જીલ્લામાં પ્રોહિબીશનના ૭,૦૪૫ ગુનાઓ શોધી કુલ રૂ. ૨૦.૬૪ કરોડનો મુદામાલ જપ્ત કરાયો છે, જ્યારે જુગારધારા હેઠળ ૫૨૩ ગુનાઓમાં રૂ. ૧.૪૬ કરોડનો મુદામાલ કબ્જે લેવાયો છે. હથિયારધારા હેઠળ ૩૪ અને એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ૧૪ કેસોમાં રૂ. ૧૦.૮૩ લાખનો નશીલો માલ પકડાયો છે. નાસતા ફરતા અને પેરોલ જમ્પ આરોપીઓ સામે કાર્યવાહી કરી કુલ ૪૫ આરોપીઓને કાયદાના દાયરામાં લાવવામાં આવ્યા છે. કાયદો-વ્યવસ્થા જાળવવા ૧૫,૭૨૮ ઇસમો સામે અટકાયતી પગલાં લેવાયા છે તેમજ પાસા (૯૭) અને હદપારી (૯૨) દરખાસ્તો કરવામાં આવી છે.

અકસ્માતો ઘટાડવા ટ્રાફિક નિયમોના ભંગ બદલ ૫૬,૦૪૯ એન.સી. આપી રૂ. ૨.૫૬ કરોડ દંડ વસુલાયો છે અને ૫,૦૬૪ વાહનો ડીટેઇન કરાયા છે. મહિલાઓની સુરક્ષા માટે SHE TEAM અને ૯૧ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત મોરબી શહેરમાં ૧૨૦ સીસીટીવી કેમેરા દ્વારા કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી મોનીટરીંગ થઈ રહ્યું છે, જેના આધારે ગુનાઓ ઉકેલવામાં અને ટ્રાફિક નિયંત્રણમાં મદદ મળી છે. સાયબર ક્રાઇમના ભોગ બનેલ લોકોને રૂ. ૯૦.૩૫ લાખ પરત અપાવવામાં આવ્યા છે. અસામાજિક તત્વો સામે ૧૦૦ કલાકના એજન્ડા હેઠળ કડક કાર્યવાહી કરી ગેરકાયદેસર બાંધકામ ડીમોલેશન, વીજ જોડાણ રદ અને દંડની કાર્યવાહી કરવામાં આવી છે. આમ, વર્ષ-૨૦૨૫ દરમિયાન મોરબી જીલ્લા પોલીસની સંકલિત અને પરિણામલક્ષી કામગીરીએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!