મોરબી શહેર અને માળીયા(મી) તાલુકામાં ગઈકાલ સાંજે આગની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી હતી. લીલાપર ચોકડી પાસે ઇનોવા કારમાં અને જાજાસર ગામ નજીક પવનચક્કીમાં આગ લાગતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. મોરબી ફાયર ટીમે બંને સ્થળે ઝડપી પહોંચીને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બંને ઘટનામાં કોઈ જાનહાની ન થતાં રાહતનો શ્વાસ લેવાયો છે.
મોરબીમાં ઇનોવા કાર અને પવનચક્કીમાં આગની બે ઘટનાઓ, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી
મોરબીમાં ગઈકાલ તા.૨૯/૦૧ના રોજ સાંજે આગ લાગવાની બે ઘટનાઓથી થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં પ્રથમ બનાવમાં મોરબી ફાયર કંટ્રોલરૂમને સાંજે ૭.૫૮ વાગ્યે ૧૦૧ ઉપર કોલ મળ્યો હતો કે લીલાપર ચોકડી પાસે એક ઇનોવા કારમાં અચાનક આગ લાગી છે. જાણ મળતાની સાથે જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.
આ દરમિયાન ત્યારે જ સાંજે ૮.૦૭ વાગ્યે બીજો કોલ મળ્યો હતો. જેમાં માળીયા(મી) તાલુકાના જાજાસર ગામ પાસે આવેલી પવનચક્કીમાં આગ લાગ્યાની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડની બીજી ટીમ તરત જ ત્યાં દોડી ગઈ હતી. મોરબી ફાયર ટીમે ત્યાં પણ પાણીનો મારો ચલાવી પવનચક્કીમાં લાગેલ આગ ઉપર પણ સફળતાપૂર્વક કાબુ મેળવી લીધો હતો.









