છરી બતાવી પતિને ઢીકાપાટુનો માર માર્યો, આરોપી શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ.
હળવદ તાલુકાના કડીયાણા ગામે વાડીમાં રહેતા પરપ્રાંતિય દંપતીની ઓરડીમાં ઘુસી એક શખ્સે પરિણીતા સાથે બીભત્સ માંગણી કરી અડપલાં કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. વિરોધ કરતા પતિને ધકકા મારી ઢીકાપાટુનો માર માર્યો હતો અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે દેકારો થતા પાડોશીઓ દોડી આવતા આરોપી ફરાર થયો હતો. બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાં આવેલી એક વાડીમાં ખેતમજુરી કામ કરતા પરિણીતાએ હળવદ પોલીસ મથકમાં આરોપી દીપાભાઈ દેવીપૂજક રાગે. કડીયાણા ગામ તા.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધી કે, ગત તા. ૨૧/૦૧/૨૦૨૬ના રોજ દંપતી દિવસભર મજુરી કામ કર્યા બાદ રાત્રે પોતાની વાડીની ઓરડીમાં સુઈ ગયા હતા. ત્યારે મધરાત્રિએ આરોપી શખ્સે ઓરડીનો દરવાજો ખખડાવી “વાડીમાં ગાયો-ભેસો ઘુસી ગઈ છે” તેમ કહી દરવાજો ખોલાવ્યો હતો.
દરવાજો ખૂલતા જ આરોપી ઓરડીમાં અંદર ઘુસી ગયો અને થોડી વાતચીત બાદ પરિણીતા સાથે અજુગતી અને બીભત્સ માંગણી કરવા લાગ્યો. જેથી પરિણીતા તથા તેના પતિએ વિરોધ કરી આરોપીને બહાર જવા કહતાં તેણે પતિને ધકકો મારી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ પોતાના પેન્ટમાંથી છરી કાઢી બન્નેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પરિણીતા સાથે અડપલાં કર્યા હતા.
જ્યારે દંપતીએ દેકારો કરતા નજીકની વાડીમાં રહેતા લોકો દોડી આવ્યા હતા, જેને જોઈ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે દંપતીએ વાડી માલિક તથા પડોશીઓને જાણ કરી હતી. બાદમાં પરિવારજનો દ્વારા વતનમાં બોલાવી લેતા દંપતી વતનમાં ચાલ્યા ગયા હતા. જ્યાંથી આવી સમગ્ર બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









