માળીયા(મી)ની ભીમસર ચોકડી નજીક રોડ ઓળંગી રહેલા માતા-પુત્રને આઇસરે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માતાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે પુત્રને ગંભીર ઇજાઓ થતા માળીયા(મી), મોરબી, રાજકોટ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન પગ કાપવો પડ્યો હતો. આ કરૂણ અકસ્માતના બનાવ અંગે આઇસર ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
માળીયા(મી) તાલુકાના ભીમસર ચોકડી નજીક ગત તા.૨૪/૧૨/૨૦૨૫ના રોજ એક કરૂણ અકસ્માત થયો હતો. જેમાં રોડ ક્રોસ કરી રહેલા સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા ગામે રહેતા દિલશાનાબેન સલીમભાઈ ભાડુલા ઉવ.૩૫ તથા તેમનો પુત્ર સિકંદર સલીમભાઈ ભાડુલા ઉવ.૧૭ને એક આઇસર વાહન રજી.નં. જીજે-૨૭-તીજી-૮૭૮૧ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી હડફેટે લીધા હતા. અકસ્માતમાં માતા દિલશાનાબેનના પેટ ઉપરથી આઇસરનું વ્હીલ ફરી વળતા તેમનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પુત્ર સિકંદરને માથા, હાથ-પગમાં ગંભીર ઇજાઓ થતાં પ્રથમ માળીયા(મી), મોરબી ત્યારબાદ રાજકોટ અને અંતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સ્થિતિ ગંભીર બનતા સિકંદરનો જમણો પગ કાપવો પડ્યો હતો. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ મામલે ફરિયાદી પિતા સલીમભાઈ મુસાભાઈ ભાડુલા ઉવ.૪૦ દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરિધ બીએનએસ તથા એમવી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









