મોરબી જીલ્લામાં માર્ગ અકસ્માતમાં વધુ એક મૃત્યુનો બનાવ સામે આવ્યો છે, જેમાં રાજકોટ-મોરબી હાઇવે ઉપર વિરપર ગામ નજીક એક સીએનજી રીક્ષાને ક્રેટા કારે હડફેટે લેતા, રીક્ષા ચાલકને માથાના ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે અકસ્માત અંગે મૃતકના પત્નીની ફરિયાદને આધારે પોલીસે ક્રેટા કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના વજેલર શેરી નં.૧૫ માં રહેતા માલતીબેન જયંતીભાઈ નરશીભાઈ ખાણધર ઉવ.૩૨ વાળાએ ટંકારા પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર આરોપી ક્રેટા રજી.નં. જીજે-૨૦-સીબી-૭૭૭૭ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તા.૨૩/૦૧ના રોજ માલતીબેનના પતિ જયંતીભાઈ પોતાની સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૦૩-એડબલ્યુ-૦૨૪૬ લઈને મિતાણા ગામથી મોરબી આવી રહેલ હોય તે દરમિયાન વિરપર ગામ દ્વારકાધીશ હોટલ પાસે ક્રેટા કારના ચાલકે પોતાનું વાહન બેદરકારી અને પુર ઝડપે ચલાવી આવી રીક્ષાને હડફેટે લેતા, રીક્ષા ચાલક જયંતિભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેમનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું. હાલ ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









