હળવદ પોલીસ સ્ટેશનમાં અપમૃત્યુનો એક દુઃખદ બનાવ નોંધાયો છે. જેમાં હળવદના ચિત્રોડી ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં ૨૧ વર્ષીય યુવતીએ સગાઈ તૂટવાની વાતને લઈને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. જેનું સારવાર દરમિયાન મોત થતા હળવદ પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
હળવદ તાલુકાના ચિત્રોડી ગામના વતની હાલ મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે હરિઓમ સોસાયટીમાં રહેતા કિંજલબેન ધીરૂભાઈ રાઠોડ ઉવ.૨૧ ની તથા તેના ભાઈ કરણની સગાઈ કોયબા ગામે દિલુભાઈ ચૌહાણના દીકરા-દીકરી સાથે સામસામે નક્કી કરવામાં આવી હતી. બાદમાં સગાઈ તોડવાની વાત નીકળતા કિંજલબેનને પોતાની સગાઈ તૂટે તે ગમતું ન હોવાથી મનમાં ભારે લાગી આવ્યું હતું.
આ બાબતે તેઓએ ચિત્રોડી ગામની સીમમાં આવેલી પિતાની વાડીની ઓરડીમાં પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી. બાદમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તા.૩૧/૦૧/૨૦૨૬ના રોજ કિંજલબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મૃત્યુના બનાવ અંગે મૃતકના પિતા ધીરૂભાઈ જીવાભાઈ રાઠોડ દ્વારા પોલીસ સમક્ષ જાહેર કરવામાં આવેલ વિગતોને આધારે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી છે.









