મોરબી મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કલસ્ટર-૪ના ભડિયાદ વિસ્તાર સહિત વિવિધ સ્થળોએ નાયબ કમિશનરે સાઇટ વિઝિટ કરી સ્વચ્છતા કામગીરીનું નિરીક્ષણ કર્યું અને નિયમિત સફાઈ તથા કચરા સંકલન અંગે જરૂરી સૂચનાઓ આપી હતી.
મોરબી મહાનગરપાલિકામાં સ્વચ્છતાનું ધોરણ સતત જળવાઈ રહે તે હેતુસર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કલસ્ટર-૪માં સમાવિષ્ટ ભડિયાદ વિસ્તાર ખાતે નાયબ કમિશનર સંજયકુમાર સોની(પ્રોજેક્ટ) એ સાઇટ વિઝિટ કરી હતી. આ દરમિયાન સો-ઓરડી મેઈન રોડ, ચામુંડા નગરથી ઉમિયા નગર મેઈન રોડ, માળીયા વનાળીયા સહિતના વિસ્તારોમાં ચાલી રહેલી સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નાયબ કમિશનરે સફાઈ કામદારોને સમગ્ર વિસ્તારમાં સ્વચ્છતા સુવ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે માટે નિયમિત કામગીરી કરવા સૂચના આપી હતી. સાથે જ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના તમામ પોઈન્ટ પર નિયમિત રીતે કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે તે અંગે ખાસ ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત માળીયા વનાળીયા, શક્તિ સોસાયટી, ઉમિયા નગર અને ત્રણ મંદિર જેવા વિસ્તારોમાં આવેલા જીવીપીના વિવિધ પોઈન્ટની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શહેરમાં સ્વચ્છતા સતત જળવાઈ રહે અને નાગરિકોને સ્વચ્છ પરિસર મળી રહે તે માટે સફાઈ કર્મચારીઓને નિયમિત અને જવાબદારીપૂર્વક કામગીરી કરવા નાયબ કમિશનરે માર્ગદર્શન આપ્યું હતું.









