ખાનગી ટ્રાવેલ્સ મારફતે બનાવટી બિલથી દારૂ મંગાવતો સાહીલ ઉર્ફે સાહુ પકડાયો; કામરેજ અને બગોદરા પોલીસના ૨૦૨૪ના ગુન્હાઓમાં બે વર્ષથી ફરાર હતો.
મોરબીમાં બેટરીના પાણીના બોક્સની આડમાં પરપ્રાંતીય ઈંગ્લિશ દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના મુખ્ય આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસ ટીમે ઝડપી પાડ્યો છે. પકડાયેલ રીઢો આરોપી સુરત ગ્રામ્ય કામરેજ અને અમદાવાદ ગ્રામ્ય બગોદરા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૫૪ના પ્રોહિબિશન ગુન્હાઓમાં નાસતો ફરતો હોવાનું સામે આવ્યું છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ દારૂ-જુગાર અને મિલ્કત સંબંધિત ગુન્હાઓ સામે વિશેષ ડ્રાઈવ ચાલુ હોય તે અંતર્ગત મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ અગાઉ નોંધાયેલ પ્રોહીબીશનના કેસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન પરપ્રાંતીય ઈંગ્લિશ દારૂ અને બેટરીના પાણીના બોક્સ સહિત કુલ અંદાજિત રૂ.૪,૫૭,૪૦૦/- નો મુદ્દામાલ કબજે કરાયો હતો. તે કેસમાં મુખ્ય આરોપી સાહીલભાઈ ઉર્ફે સાહુ હનીફભાઈ નુરાભાઈ પરમાર રહે. હાથીખાના-૧૭, આર્ય સમાજ પાસે રામનાથપરા મેઇન રોડ રાજકોટ વાળો ખાનગી ટ્રાવેલ્સ મારફતે લગેજ તરીકે બનાવટી બિલ બનાવી દારૂ મંગાવતો હોવાનું બહાર આવ્યું હતું.
પકડાયેલ મુખ્ય આરોપીની ઉંડાણપૂર્વકની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી વર્ષ ૨૦૨૪માં કામરેજ પોલીસ સ્ટેશનમાં રૂ.૧૫.૮૨ લાખના દારૂ કેસમાં, તેમજ બગોદરા પોલીસ સ્ટેશનમાં રૂ.૪.૭૨ લાખના દારૂ કેસમાં નાસતો ફરતો હતો. આ ઉપરાંત આરોપી વિરુદ્ધ અગાઉ રાજકોટ શહેર બી ડીવીઝન તથા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં પણ મારામારી, ધમકી અને પ્રોહિબિશન સંબંધિત અનેક ગુન્હાઓ નોંધાયેલા છે. આ સાથે પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરવામાં આવી છે.









