મોરબીના રફાળિયા મેળા નજીક કેનાલ ડેમમાં ન્હાવા ગયેલા ૧૭ વર્ષીય સાહીલ દીપકભાઈ સોલંકી નામના યુવકની ડૂબી જવાની ઘટના બાદ ફાયર ટીમે સતત ૪૫ કલાક સુધી ભારે જહેમતથી શોધખોળ હાથ ધરી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યુ કામગીરીમાં મોરબી, રાજકોટ અને જામનગર ફાયર ટીમ જોડાઈ હતી.
મોરબીમાં તા.૧૫/૦૨ના રોજ બપોરે અંદાજે ૩ વાગ્યાની આસપાસ ૧૦૧ ફાયર કંટ્રોલરૂમમાં કોલ મળ્યો હતો કે મોરબી નજીક રફાળિયા મેળા વિસ્તારમાં આવેલા કેનાલ ડેમમાં ન્હાવા ગયેલા ત્રણ યુવકોમાંથી એક યુવક ડૂબી ગયો છે. મળતી માહિતી મુજબ સાહીલ દીપકભાઈ સોલંકી ઉવ.૧૭ મૂળ નવાગામનો રહેવાસી અને હાલ મોરબીના નીલકમલ સોસાયટી, જેલ રોડ પર રહેતો હતો, જે મિત્રો સાથે મેળામાંથી ફરીને ડેમમાં ન્હાવા ઉતર્યો હતો. ત્યારે તે પાણીમાં ડૂબી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ બોટ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને શોધખોળ શરૂ કરી હતી. સતત શોધ કામગીરી દરમ્યાન રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તથા જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમો પણ જોડાઈ હતી. ભારે જહેમત અને સતત ૪૫ કલાકની રેસ્ક્યુ કામગીરી બાદ તા.૧૭/૦૨ના રોજ સવારે અંદાજે ૧૧ વાગ્યે સાહીલનો મૃતદેહ ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.









