ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરીના દિવસોમાં ઉકેલી લેવામાં આવ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલો ૧૦૦ ટકા મુદામાલ સહિત કુલ રૂ.૨૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, ગત તા.૧૪ ફેબ્રુઆરીના રોજ કલ્યાણપર ગામે બંધ રહેણાંક મકાનનું તાળું તોડી અજાણ્યા શખ્સે સોના-ચાંદીના દાગીના, ગીનીઓ અને રોકડ રકમની ચોરી કરી હતી. બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા જિલ્લા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે કલ્યાણપર ગામના સોહીલ સતારભાઈ સંધીને શંકાના આધારે અટકાવી પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલ કર્યો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરીનો સંપૂર્ણ કુલ રૂ. ૨૫,૨૧,૮૫૫/-નો મુદામાલ શોધી કાઢ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને કિંમતી દાગીના અને રોકડ રકમ બેંક લોકરમાં રાખવા તેમજ મકાન બંધ રાખતા પહેલા પોલીસ અથવા પડોશીઓને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.









