ટંકારા તાલુકાના વિરપર ગામે રીક્ષા નીચે શ્વાનનું બચ્ચું આવી જતા થયેલી બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ શેરીમાં રહેતા પરિવાર ઉપર હુમલો કર્યો હતો. જેમાં લાકડાના ધોકાથી માર મારી માતા-પુત્રને ઇજાઓ પહોંચાડતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા ચારેય આરોપીઓ સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા મુકેશભાઈ જેસિંગભાઈ વડેચાએ આરોપી સતીશ ચંદુભાઈ મેણીયા, માલો ચંદુભાઈ મેણીયા, ભીમભાઈ રવજીભાઈ બાવરવા તથા ગંગાભાઈ જીવાભાઈ બાવરવા તમામ રહે.વિરપર તા.ટંકારા વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ તા.૧૬/૦૨ના રોજ સાંજે તેમની શેરીમાં રહેતા આરોપી સતિષ મેણીયા રીક્ષા લઈને નીકળતા એક ગલુડીયું રીક્ષા નીચે આવી ગયું હતું. આ બાબતે ફરિયાદી મુકેશભાઈના પરિવારજનોએ સતિષને રીક્ષા ધ્યાનથી ચલાવવાનું કહેતા સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બાબતનો ખાર રાખી બીજા દિવસે ઉપરોક્ત ચારેય આરોપીઓ ફરીયાદીના ઘરે આવી ગાળો બોલી ધમકી આપી હતી કે “આજે તો ગલુડીયું હતું, ફરી બોલશો તો ગલુડીયાની જગ્યાએ તમે હશો” કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ આરોપીઓએ છુટા હાથની મારામારી તેમજ લાકડાના ધોકાથી ફરિયાદી મુકેશભાઈના હાથ તથા શરીરે માર માર્યો તેમજ આ દરમિયાન ફરિયાદીના માતા દેવુબેનને ધકકો લાગતા નીચે પડી જતા મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી અને ચાર ટાંકા લેવા પડ્યા હતા. બાદમાં બંને ઈજાગ્રસ્તોને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ ટંકારા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.









