હળવદ તાલુકાના ચરાડવા ગામે સાબુ-ડીટરજન્ટ બનાવતા કારખાનામાં મજૂર દ્વારા ગાંજો સળગાવવાનો વીડિયો હોવાનો દાવો કરી રૂ.૫ લાખનો તોડ કરવાના હેતુથી અને વીડિયો “હળવદ બ્રેકીંગ” ન્યુઝમાં વાયરલ કરવાની અને કારખાનાને સીલ કરાવી દેવાની ધમકી આપવાના મામલે પત્રકાર સહિત બે શખ્સો સામે કારખાનેદાર દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા,પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ “એસ.કે. ઇન્ડસ્ટ્રીઝ” નામના કારખાનાના ભાગીદાર વાસુદેવભાઈ દેવશીભાઈ સોનાગ્રા ઉવ.૪૦ રહે. રેવા ટાઉનશિપ મોરબીએ હળવદ પોલીસ મથકમાં આરોપી લાલાભાઈ શાંતિભાઈ પરમાર તથા પત્રકાર મેહુલ ભરવાડ રહે.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૧૩/૦૨ના રોજ આરોપી લાલાભાઈ સહિત બે શખ્સો દ્વારા ઉપરોક્ત કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરી, મજૂર ઓરડીમાં શ્રમિક પ્રકાશના રૂમ પાસે કાંઇક સળગાવાતું હોવાનું કહી વીડિયો ઉતારતા હતા અને બોલાચાલી કરતા હતા. જે બાબતે ફરિયાદીને ફોન ઉપર જાણ કરતા, તેઓએ તેમના ભાગીદાર ધર્મેન્દ્રભાઈ અને ચંદ્રેશભાઈને કારખાને જવા કહ્યું હતું. જ્યાં તેઓ બન્ને પહોચતા, કારખાને ત્યાં આરોપી લાલાભાઈ શાંતિભાઈ પરમાર નામના વ્યક્તિએ દાવો કર્યો હતો કે કારખાનામાં રહેતા મજૂર પ્રકાશ અને તેની પત્ની વર્ષા ગાંજો સળગાવતા હતા અને તેનો વીડિયો તેમની પાસે છે. જો રૂ.૫ લાખ નહીં આપવામાં આવે તો ગાંજાના કેસમાં ખોટું નામ આપી પોલીસ ફરિયાદ કરાવી કારખાનાને સીલ કરાવી દેવાની ધમકી આપી હતી. ઉપરાંત આ વીડિયો “હળવદ બ્રેકીંગ” ન્યુઝમાં વાયરલ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. જે બાદ આરોપીએ આ વીડિયો વોટ્સએપ મારફતે મોકલ્યો હતો. અને સતત ફોન કરી પૈસાની ઉઘરાણી અને ધમકીઓ આપવામાં આવી હતી.જે બાદ તા.૧૬/૦૨ના રોજ ફરીથી મેસેજ દ્વારા “હળવદ બ્રેકીંગમાં નાખી દઈશ” એવી ચેતવણી આપવામાં આવી હતી. તે જ દિવસે રાત્રે પત્રકાર મેહુલભાઈ ભરવાડ કારખાનાની આજુબાજુ ફરી માલિકનો નંબર માંગતા હોવાનું સામે આવ્યું હતું. હાલ હળવદ પોલીસે કારખાનેદારની ફરિયાદને આધારે આરોપી પત્રકાર સહિત બન્ને આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.









