વાંકાનેર તાલુકાના લુણસર ગામ પાસે સિંગલ પટ્ટી રોડ પર કાર અને ડમ્પર વચ્ચે પસાર થવાની બાબતે બોલાચાલી બાદ કાર ચાલકને ગાળો આપી ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે ચાર ઇસમો સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા એમ.વી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, ફરીયાદી વિકાશભાઈ નવઘણભાઈ વાઘેલા ઉવ.૨૩ રહે. લુણસર ગામ તા. વાંકાનેર વાળાએ આરોપી વીજયભાઇ અઘારા રહે.દેપરાગામ(વગળીયા) તા.મુળી, ડમ્પર ટ્રક ચાલક તથા બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈકાલ તા.૧૮/૦૨ના રોજ પોતાની કાર જીજે-૧૩-સીઇ-૯૫૫૪ લઈને થાનગઢ તાલુકાના સોનગઢ ગામેથી સરધારકા તરફ આવી રહ્યા હતા. ત્યારે લુણસર ગામ પાસે શ્રી હરી સિલિકા પ્લાન્ટ નજીક જાહેર રોડ પર સામેથી ડમ્પર ટ્રક જીજે-૧૩-એએક્સ-૭૪૯૧ રોડની વચ્ચોવચ્ચ બેફીકરાઇથી અને પૂરઝડપે આવી રહ્યો હતો.
સિંગલ પટ્ટી રોડ પર બંને વાહનો સરળતાથી પસાર થઈ શકે તે માટે ફરીયાદીએ ડમ્પર-ચાલકને થોડી રોડ સાઈડમાં વાહન ઉતારવા જણાવ્યું હતું. આ બાબતે આરોપીને સારું ન લાગતાં તેણે ફરીયાદીને ભુંડી ગાળો આપી ઢીકા-પાટુનો માર માર્યો હતો. બાદમાં આરોપી વિજયભાઈ અઘારા રહે. દેપરા ગામ તા. મૂળી તથા બે અજાણ્યા ઇસમોને બોલાવી ફરીયાદી પર હુમલો કરાવ્યો હતો. આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને એકબીજાને મદદગારી કરી ગુનો આચર્યો હતો. હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









