મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવક પર થયેલા જીવલેણ હુમલાનો ગુનો ગણતરીના દિવસોમાં ઉકેલી મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચએ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ગુનામાં વપરાયેલ મોટરસાયકલ, છરી અને મોબાઇલ ફોનનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ, તા. ૧૩/૦૨/૨૦૨૬ની રાત્રે લીલાપર ગામના અનિલભાઈ ધનજીભાઈ રાઠોડ પર રવાપર ઘુનડા રોડ નજીક શિવમ પાર્ટી પ્લોટથી લીલાપર જતાં માર્ગ પર અજાણ્યા ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો.નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ પર આવેલા હુમલાખોરોએ યુવકને રોકી છરીના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા કલમ ૧૦૯, ૧૧૫(ર), ૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધાયો હતો, જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ અને ટેકનિકલ સેલની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી. અને સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ વિશ્લેષણ અને હ્યુમન સોર્સની મદદથી શંકાસ્પદ ઇસમો પર નજર રાખવામાં આવી રહી હતી. જે દરમિયાન આજ રોજ તા. ૧૯/૦૨/૨૦૨૬ના રોજ રવાપર ઘુનડા રોડ નજીક શનાળા તરફ જતાં ત્રણ રસ્તા પરથી બે શખ્સો નંબર પ્લેટ વગરની જૂની મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપાયા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી એક છરી મળી આવતા બાલો દિપકભાઈ પરમાર અને વનરાજ ઉર્ફે અનુ કાળુભાઈ વાધેલાને કડક પૂછપરછ કરતાં તેમણે ગુનો કબૂલ કર્યો હતો. મોટરસાયકલ ઓવરટેક બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ, બે મોબાઇલ ફોન મળી કુલ કિં.રૂ.૨૫,૦૫૦/-નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. અને બંનેને કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા છે.









