હળવદ-અમદાવાદ હાઇવે પર બોલેરો પીકઅપનું આગળનું ટાયર ફાટતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૩૪ વર્ષીય બોલેરો ચાલકને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. હળવદ પોલીસે બનાવ અંગે મરણ નોંધ કરી છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અ.મોતની નોંધની મળતી માહિતી મુજબ ગત તા.૨૦/૦૨ના રોજ સાંજે હળવદ-અમદાવાદ હાઇવે પર હળવદ યાર્ડ નજીક નવજીવન વિકલાંગ આશ્રમ સામે રોડ પર અકસ્માત બન્યો હતો. જેમાં કરશનભાઈ રેવાભાઈ બોળીયા ઉવ.૩૪ રહે. વેળાવદર ગામ તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર વાળા પોતાના કબ્જાની બોલેરો રજી.નં. જીજે-૨૭-ટીટી-૪૬૬૩ ચલાવી રહ્યા હતા. ત્યારે અચાનક ડ્રાઈવર સાઇડનું આગળનું ટાયર ફાટી જતાં વાહનનું બેલેન્સ બગડ્યું હતું અને બોલેરો સામેના ટ્રેક પર આવી ગઈ હતી. તે દરમિયાન અમદાવાદ તરફથી આવતી ટ્રક ટ્રેલર રજી.નં. જીજે-૧૨-બીઝેડ-૬૮૯૯ સાથે અથડામણ થતાં બંને વાહનો ડિવાઇડર ક્રોસ કરી રોડની સાઇડમાં જઈ અથડાયા હતા. જે અકસ્માતમાં ગંભીર ઇજાઓને કારણે કરશનભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે જાહેર કરનાર રામજીભાઈ અમરાભાઈ બોળીયા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી છે.









