મોરબી મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાએ વર્ષ ૨૦૨૫-૨૬ના બાકી ઉઘરાણા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધી ૩૭૬ બાકીદારોના વોરંટ ઈસ્યુ કરી ૭૬ મિલકતો સીલ કરવામાં આવી છે અને ૨ રહેણાંક મિલકતના નળ કનેક્શન કપાયા છે. આ સાથે મનપા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તા.૩૧ માર્ચ સુધી દર શનિવારે વેરા વસુલાત ચાલુ રહેશે.
મોરબી મહાનગરપાલિકાના હદવિસ્તારમાં બાકી રહેલા મિલકતવેરા વસુલવા મિલકતવેરા શાખા દ્વારા વોરંટ બજવણી અને સીલિંગની કામગીરી હાથ ધરાઈ છે. કુલ ૩૭૬ બાકીદારોને નોટિસ આપવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન શહેર વિસ્તારમાંથી અંદાજે રૂ.૨૫.૭૫ કરોડ અને ક્લસ્ટર/ગ્રામ્ય વિસ્તારમાંથી રૂ.૨.૪૫ કરોડની વસુલાત થઈ છે. ૧૮ બાકીદારો દ્વારા રકમ ભરાતા તેમની મિલકતોના સીલ ખોલવામાં આવ્યા છે, જ્યારે હાલ ૫૮ મિલકતો સીલ છે. વેરો ન ભરનાર ૨ રહેણાંક મિલકતના નળ કનેક્શન કપાયા છે. રૂ.૧૦ હજારથી વધુ બાકી ધરાવતા રહેણાંક મિલકતધારકો સામે આગામી સમયમાં નળ અને ડ્રેનેજ કનેક્શન કાપવાની કાર્યવાહી થશે.
આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી આ અભિયાન દરમિયાન દર શનિવારે સિલિંગ પ્રક્રિયા યથાવત રહેશે. નાગરિકો મુખ્ય કચેરી, ૧૧ ક્લસ્ટર ઓફિસો, પીઓએસ મશીન તેમજ સત્તાવાર વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા ઓનલાઇન ટેક્સ ભરપાઈ કરી શકે છે.









