મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ના BLC ઘટક હેઠળ નવી અરજીઓ સ્વીકારવા તથા આવાસ વિહોણા લોકોને યોજનાના લાભ વિશે માહિતગાર કરવા ત્રાજપર અને ભડિયાદ ગામે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ અંતર્ગત બીએલસી (Beneficiary Led Construction) ઘટક હેઠળ નવી અરજીઓ સ્વીકારવા અને આવાસ વિહોણા લોકોને યોજનાના લાભોથી માહિતગાર કરવા માટે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાત્રી સભામાં PMAY (U) ૨.૦ અંતર્ગત કોને લાભ મળે છે, અરજી કેવી રીતે કરવી તેમજ પોતાના મકાનના બાંધકામ માટે સરકાર તરફથી મળતી સહાય વિશે મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવશે.
આ આયોજન હેઠળ ક્લસ્ટર-૪ વિસ્તારમાં ત્રાજપર ગ્રામ પંચાયત કચેરી ખાતે તા.૦૫ માર્ચ ૨૦૨૬ ગુરુવારે રાત્રે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી રાત્રી સભા યોજાશે. જ્યારે ભડિયાદ ગ્રામ પંચાયત કચેરી ખાતે તા.૦૬ માર્ચ ૨૦૨૬ શુક્રવારે રાત્રે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકાએ પોતાના સપનાનું નવું ઘર બનાવવા ઇચ્છુક તથા આવાસ વિહોણા લોકોને આ રાત્રી સભામાં હાજર રહી યોજનાની માહિતી મેળવી લાભ લેવા અનુરોધ કર્યો છે.









