ઓફિસનું તાળું તોડી ૮૦ ફૂટ કોપર વાયર સહિત સીસીટીવી સાધનોની ચોરી.
મોરબી તાલુકાના ગાળા ગામે આવેલ બંધ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રી કારખાનામાં અજાણ્યા ચોરોએ પ્રવેશ કરી કોપર પ્લેટ ૮ નંગ, ૮૦ ફૂટ કોપર વાયર, સીસીટીવી સાધનો સહિત કુલ અંદાજે રૂ.૨.૦૫ લાખની માલમત્તાની ચોરી કરી લઈ ગયા અંગે કારખાનાના માલીક દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબી-માળીયા નેશનલ હાઇવે પર ગાળા ગામે મધુસુદન પેપરમિલ પાછળ આવેલ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રી નામનું કારખાનું છેલ્લા પાંચ મહિનાથી બંધ છે. આ સ્થળે રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ ઓફિસનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો. ચીરીના બનાવ મામલે ફરિયાદી જયંતીભાઈ રૂપાભાઈ કાચરોલા ઉવ.૬૫ રહે. રવાપર-ઘુનડા રોડ લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૭૦૧ મૂળ ગામ ગાળાએ તાલુકા પોલીસ મથકમાં આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, જણાવ્યું હતું કે ગત તા.૦૪/૦૩ના રોજ તેમના દીકરા દિવ્યેશે કારખાનાના સીસીટીવી કેમેરા ચેક કરતા અંદર અજાણ્યા વ્યક્તિની હલચલ જોવા મળી હતી. ત્યારબાદ કારખાનામાં જઈ તપાસ કરતા ઓફિસનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. તપાસમાં દાઉવા કંપનીનું સીસીટીવી એનવીઆર, સોની ટીવી, બે સીસીટીવી કેમેરા, ૮ નંગ કોપર પ્લેટ તેમજ લગભગ ૮૦ ફૂટ કોપર કેબલ સહિત કુલ અંદાજે રૂ.૨,૦૫,૦૦૦/-ના માલમત્તાની ચોરી થયાનું સામે આવ્યું હતું. ચીરી અંગે બાજુમાં આવેલ મોરગન માઇક્રોન કારખાનાના સીસીટીવી કેમેરામાં અજાણ્યો શખ્સ મોટરસાયકલ પર સામાન લઈ જતો દેખાયો હતો. હાલ સમગ્ર ચોરીના બનાવની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.









