વાંકાનેર બાઉન્ડ્રી નજીક ફુડ શોર્સની ખોટી બિલ્ટીની આડમાં ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરી, ટ્રક ચાલકની અટક, ત્રણ શખ્સ વોન્ટેડ.
વાંકાનેર બાઉન્ડ્રી પાસે સુગર એન્ડ સ્પાઈસ હોટલ સામે હાઈવે પર મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ અને વાંકાનેર પોલીસે દરોડો પાડી ટ્રકમાં ફુડ શોર્સની ખોટી બિલ્ટીની આડમાં લાવવામાં આવેલ ઇંગ્લીશ દારૂ અને બિયરની મોટી ખેપ ઝડપી પાડી છે. પોલીસે ટ્રક સહિત કુલ રૂ.૨.૧૮ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાની ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે જ્યારે અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે.
મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ ટીમને બાતમી મળી હતી કે વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો એક ટ્રકમાં લઇ જવામાં આવી રહ્યો છે. જેના આધારે એલસીબી ટીમે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ચોટીલા-રાજકોટ હાઈવે પર સુગર એન્ડ સ્પાઈસ હોટલ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ અશોક લેલન્ડ બંધ બોડી ટ્રક નંબર આરજે-૧૪-જીપી-૪૫૦૬ને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી ફુડ શોર્સ જેવી ચીજવસ્તુઓની ખોટી બિલ્ટી, ઇ-વેબીલ અને ઇન્વોઇસ બીલના આધાર પર ઇંગ્લીશ દારૂ અને બિયરનો જંગી જથ્થો ભરેલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની કુલ ૨૮,૫૮૪ બોટલો તેમજ કિંગફિશર બિયરના ૩,૧૬૮ ટીન મળી કુલ ૩૧,૭૫૨ નંગનો જથ્થો કિ.રૂ.૧,૯૩,૪૭,૩૬૦/- ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત ટ્રક રૂ.૨૫ લાખ, એક મોબાઇલ ફોન, રોકડ સહિત કુલ રૂ.૨,૧૮,૫૫,૫૬૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ટ્રક ચાલક આરોપી લલિતકુમાર પ્રતાપજી રત્નાજી ખરાડી ઉવ.૨૮ રહે. જાયરાગામ તા.ખેરવાડા જી.ઉદયપુર રાજસ્થાન વાળાને સ્થળ પરથી ઝડપી લીધો હતો. જ્યારે દારૂ મોકલનાર, ટ્રક માલિક અને જથ્થો મંગાવનાર સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દ્વારા ટ્રકમાં ફુડ શોર્સ જેવી ચીજવસ્તુઓ ભરેલી હોવાની ખોટી બિલ્ટી અને ઇ-વેબીલ બનાવી તેને સાચા તરીકે ઉપયોગમાં લઇ પંજાબ રાજ્યમાંથી દારૂ અને બિયરનો જથ્થો ભરી હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતની સરહદો પરથી પસાર કરી રાજ્ય સેવકોને ગેરમાર્ગે દોરી ગુજરાતમાં હેરાફેરી કરવામાં આવતી હતી. આ સાથે પોલીસે પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડી લેવા વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.









