મોરબીમાં દિવ્યાંગોના સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની નવીન યોજના હેઠળ દિવ્યાંગોને આધુનિક સાધનો આપવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, મોરબીની ‘વિકાસ વિદ્યાલય’ ખાતે આયોજિત કાર્યક્રમમાં દિવ્યાંગોને સ્વાવલંબી બનાવવા માટે 30 મોટરાઈઝડ ટ્રાઈસિકલ અને 6 જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાના ભાગરૂપે યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગરથી આ યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને મોરબી જિલ્લામાં પણ લાભાર્થીઓને સહાય પહોંચાડવામાં આવી છે. આ આધુનિક સાધનો મળવાથી દિવ્યાંગોને રોજિંદા જીવનમાં સહેલાઈ મળશે અને તેઓ વધુ સ્વતંત્ર રીતે પોતાનું જીવન જીવી શકશે. સાથે જ તેમની સામાજિક ભાગીદારી અને આત્મવિશ્વાસમાં વધારો થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આ પહેલને દિવ્યાંગોના જીવનમાં બદલાવ લાવતી મહત્વપૂર્ણ કડી ગણાવી હતી.









