મોરબી શહેરમાં આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક ગણાતી શ્રી ધક્કાવાળી મેલડી માતાજીનો ભવ્ય નવરંગ માંડવો યોજાવાનો છે, જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન નજીક આવેલ મંદિરે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.28/03/2026 શનિવારના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં દિવસભર વિવિધ ધાર્મિક વિધિઓ અને ભક્તિમય કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમની શરૂઆત શુભ ચોઘડિયામાં થાંભલી રોપણ સાથે થશે, ત્યારબાદ સવારે 8 વાગ્યે નવચંડી યજ્ઞ યોજાશે. સાંજે 4 વાગ્યે બિડું હોમવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જ્યારે સાંજે 5 વાગ્યે ભુવાનો સામૈયો યોજાશે. ભક્તો માટે સાંજે 6 વાગ્યે મહાપ્રસાદ અને 7 વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 9 વાગ્યે ડાકલાંની રમઝટ સાથે ભક્તિમય માહોલ જામશે, જેમાં ગોંડલના રાવણદેવ હિતેષભાઈ સહિત ભુવા શ્રીઓ માતાજીના દુહા, છંદ અને ગરબાની રજૂઆત કરશે. આ સમગ્ર કાર્યક્રમમાં મોરબી પંથકના સર્વ ધર્મપ્રેમી ભક્તોને ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ લેવા ટ્રસ્ટ દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.









