સમાજ માટે ચિંતાજનક કિસ્સો: બુટલેગર દંપતીએ પોતાના જ પુત્રને ગેરકાયદેસર ધંધામાં ધકેલ્યો.
મોરબીના વજેપર સાયન્ટિફિક રોડ ખાતે મોપેડ ઉપર દેશી દારૂની હેરાફેરી કરતા એક બાળ કિશોર સહિત બે ઇસમોને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર માતા-પિતાના નામ ખુલતા તે બંનેને પોલીસે ફરાર જાહેર કર્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે માતા-પિતાએ પોતાના જ નાબાલિક પુત્રનો દારૂ વેચાણ માટે ઉપયોગ કર્યો હતો. હાલ પોલીસે કુલ રૂ.૪૨,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના વજેપર વિસ્તારમાં સમાજને ઝંઝોળી દેતી બનેલી ઘટના સમાજ માટે ચિંતાજનક છે. જેમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક એકસેસ મોપેડ રજી.નં. જીજે-૩૬-એએમ-૩૩૬૨ ઉપર દેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા, જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર હતો જ્યારે અન્ય આરોપી રવીભાઈ રઘુભાઈ સામતભાઈ દેગામા ઉવ.૨૬ રહે. નવા મકનસર તા.જી.મોરબી વાળાની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે દારૂ સપ્લાય કરનાર મનીષાબેન સુરેશભાઈ થરેસા અને સુરેશભાઈ લક્ષ્મણભાઈ થરેસા રહે. વજેપર શેરી નં.૨૪ મોરબી વાળાનું નામ ખુલતા પોલીસે બંને બુટલેગર દંપતીને આ કેસમાં વોન્ટેડ જાહેર કર્યા છે.
તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ૩૫ લીટર દેશી દારૂ કિ.રૂ.૭,૦૦૦/-, એકસેસ મોપેડ કિ.રૂ.૨૫,૦૦૦/- અને બે મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- સહિત કુલ રૂ.૪૨,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. હાલ સીટી એ ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી રવીભાઈની ધરપકડ કરી છે, જ્યારે બાળ કિશોરને હસ્તગત કરી, ફરાર આરોપી દંપતીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.









