મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચૂંટણી ઓબ્ઝર્વર ડૉ. સંજય જોશી (IAS) દ્વારા નોડલ ઓફિસર અને રિટર્નિંગ ઓફિસર સાથે સમીક્ષા બેઠક યોજાઈ છે. જેમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને સુચારૂ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે મોરબી જિલ્લામાં વિશેષ તૈયારીઓ ચાલી રહી છે. તે અંતર્ગત ચૂંટણી નિરીક્ષક ડૉ.સંજય જોશીએ મોરબી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ વાંકાનેર, ટંકારા અને માળિયા (મીં) નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન સંવેદનશીલ મતદાન મથકો, કાયદો અને વ્યવસ્થા, આચારસંહિતાનું પાલન અને મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ વિઘ્ન ન આવે તે અંગે અધિકારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ અત્યાર સુધીની કામગીરી અંગે માહિતી આપી હતી, જ્યારે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર રજૂઆત કરી હતી. આ બેઠકમાં પોલીસ અધિક્ષક મુકેશ પટેલ સહિતના અધિકારીઓ અને ચૂંટણી સ્ટાફ હાજર રહ્યા હતા.









