વાંકાનેર તાલુકાના ચીત્રાખડા ગામ નજીક ગેરકાયદેસર ખનીજ ખનન કરતા માફિયાઓ સામે પોલીસ અને ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી આશરે રૂ.૪૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય તથા મોરબી જિલ્લા એસ.પી.ના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. તે અંતર્ગત વાંકાનેર પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે ચીત્રાખડા ગામે શીતળા માતાના મંદિર નજીક વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમે સ્થળ પરથી ટાટા હિટાચી કંપનીનું EX200LC મોડલ એક્સ્કેવેટર કિંમત અંદાજે રૂ.૪૫ લાખનું જપ્ત કર્યું હતું. આ મામલે સંબંધિત તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં હડકંપ મચી ગયો છે.









