મોરબી તાલુકાના જીકીયારી ગામ પાસે માર્ગ અકસ્માતમાં ટ્રક ચાલકે પોતાનું વાહન બેફામ ગતિએ ચલાવી ડબલ સવારી મોટરસાયકલને ટક્કર મારતા, મોટર સાયકલના ચાલક સહિત બન્નેને નાના-મોટી ઇજાઓ પહોંચી હતી. ત્યારે ઇજાગ્રસ્તની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગત તા.૧૧/૦૪ના રોજ ટ્રક રજી. નં. જીજે-૧૪-ઝેડ-૭૮૨૮ના ચાલકે બેફામ અને ગફલતભરી રીતે વાહન હંકારતા તાલુકાના જીકીયારી ગામના ડેમ પાસે ગોળાઈ વાળા રોડ પર સામેથી આવતા મોટરસાયકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોટર સાયકલની પાછળની સીટમાં બેઠેલ ફરિયાદી દેવશીભાઈ તેજાભાઈ શિરોડીયા રહે. બોડી ઘોડી તા. પડધરી જી.રાજકોટ વાળાને જમણા ગાલ, આંખ પાસે તેમજ જડબામાં ઈજા પહોંચી હતી, જ્યારે મોટરસાયકલ ચલાવનાર સાહેદ વાછાભાઈને માથા, મોઢા, છાતી અને પગ સહિત ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









