મોરબીના શનાળા નજીક આવેલ કાર રીપેરીંગ ‘ધ કાર સ્ટુડિયો’ નામના શોરૂમમાં મોડી રાત્રે આગ લાગતાં અંદાજે ૧૦થી વધુ કાર બળીને ખાક થઈ ગઈ હતી. ફાયર ટીમે પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, હાલ આગનું કારણ અકબંધ છે.
મોરબીમાં આગની વધુ એક મોટી ઘટના સામે આવી છે. જેમાં શનાળા ગામ નજીક આવેલ ‘ધ કાર સ્ટુડિયો’ નામના કાર કોટિંગ, સર્વિસ અને રીપેરિંગ શોરૂમમાં ગત મોડી રાત્રે આશરે ૧૧.૩૦ વાગ્યાના અરસામાં આગ લાગી હતી. ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશભાઈ ડાકીએ આપેલી માહિતી મુજબ, આગની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે શોરૂમમાં રાખવામાં આવેલી અંદાજે ૧૦થી વધુ કાર બળીને ખાક થઈ ગઈ હતી.
ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવા સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત ઉઠાવી હતી. અંતે વહેલી સવારે આશરે ૪ વાગ્યે આગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જોકે, ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.









