ટંકારા (તા. ૧૪ એપ્રિલ, ૨૦૨૬) : ટંકારા શહેરમાં દેશના સંવિધાનના નિર્માતા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતી ભારે ઉત્સાહ અને શ્રદ્ધાભાવ સાથે ઉજવવામાં આવી હતી.
શહેરના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય યાત્રા યોજાઈ હતી આંબેડકર ભવનમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ડો. આંબેડકર ભવન સેવા સમિતિના નેજા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. સવારે લતીપર હાઈવે તાલુકા પંચાયત સામેથી શોભાયાત્રા શરૂ થઈ હતી જે ટંકારાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આંબેડકર ભવન પર પૂર્ણ થઈ હતી.
શોભાયાત્રામાં ભીમ ગીતો અને ભીમ ગરબાના સૂરોથી વાતાવરણમાં ઉત્સાહની લહેર જામી હતી. કાર્યક્રમમાં સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના અનુસૂચિત જાતિના આગેવાનો, કાર્યકર્તાઓ અને પરિવારો સહિત તમામ વર્ગના નાગરિકોએ ભાગ લીધો હતો. વેપારી એસોસિએશન, આર્ય સમાજ દળ અને ઉત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા દરમિયાન છાશ તથા ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શહેરના મુખ્ય માર્ગો ભીમ ગીતો અને ભીમ ગરબાના નાદથી ગુંજી ઉઠયા હતા જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય અને ઉત્સાહી બનાવ્યું હતું. કાર્યક્રમના અંતે મૈત્રી ભિમ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ સમાજના લોકોએ એકસાથે ભોજન કરીને સમાનતા અને મૈત્રીનો સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમ દ્વારા ડૉ. આંબેડકરના વિચારો, સમાનતા, સામાજિક ન્યાય અને શિક્ષણના મહત્વને વધુ પ્રસરાવવામાં આવ્યો હતો. ટંકારા શહેરના નાગરિકોએ આ જયંતીને યાદગાર બનાવવા માટે પૂર્ણ સહયોગ આપ્યો હતો









