જીલ્લા બહાર કોર્ટના કામે જતા વકીલોને રહેવાની મુશ્કેલી દૂર કરવા મિતેષ દવે અને દર્શન દવેની મહત્વની રજૂઆત.
મોરબીના યુવા વકીલો એડવોકેટ મિતેષ ડી. દવે અને એડવોકેટ દર્શન ડી. દવેએ ગાંધીનગર ખાતે ગુજરાતના કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ દરમિયાન રાજ્યના તમામ સરકારી સર્કિટ હાઉસમાં વકીલોને પણ સરકારી દરે રહેવાની સુવિધા આપવા રજૂઆત કરવામાં આવી હતી.
કોર્ટના કામકાજ માટે વકીલોને અવારનવાર પોતાના જીલ્લા બહાર જવું પડતું હોય છે, ત્યારે રહેવા-ઉતારાની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે મોરબીના યુવા વકીલો મિતેષ ડી. દવે અને દર્શન ડી. દવેએ ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર સમક્ષ મહત્વની રજૂઆત કરી હતી. બંને વકીલોએ કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે મુલાકાત દરમિયાન માંગ કરી હતી કે ગુજરાતના તમામ જીલ્લાઓમાં આવેલા સરકારી સર્કિટ હાઉસમાં વકીલોને પણ સરકારી દરે રોકાણની સુવિધા આપવામાં આવે.
વકીલોનું કહેવું છે કે હાલ સર્કિટ હાઉસની સુવિધા મુખ્યત્વે સરકારી અધિકારીઓ માટે ઉપલબ્ધ હોવાથી કોર્ટના કામે બહાર જતા વકીલોને ઘણી વખત મોંઘી હોટલમાં રોકાવું પડે છે. સરકાર દ્વારા વકીલો માટે પણ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો રાજ્યભરના હજારો વકીલોને રાહત મળી શકે તેમ છે. ત્યારે મંત્રીઓએ રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી આ બાબતે સકારાત્મક વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી. મુલાકાત દરમિયાન બંને મંત્રીઓને સ્મૃતિચિહ્ન તથા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.






