ટંકારા, મોરબી બાદ રાજકોટ હોસ્પિટલમાં સારવાર ચાલુ, મોઢા અને ખંભામાં ફ્રેકચર.
ટંકારાના લતીપર ચોકડી નજીક સુપર માર્કેટ શોપીંગ નીચે પરિવાર સાથે સુતેલી મહિલા ઉપર ફોરવ્હીલ કાર ફરી વળવાના બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુતેલી મહિલા ઉપર કારનું ટાયર ફરી વળતા તેણીને મોઢા અને ખંભામાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર બાદ મોરબી અને ત્યારબાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ટંકારાના લતીપર ચોકડી પાસે બનેલા અકસ્માતમાં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. જેમાં કંચનબેન વિશાલભાઈ સચાણીયા ઉવ.૩૦ રહે. લતીપર ચોકડી નજીક ઝૂંપડામાં ટંકારા દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ગત તા.૨૦/૦૪ના રોજ તેમના પતિ સાથે સુપર માર્કેટ શોપીંગના નીચેના ભાગે સુતા હતા. ત્યારે આશરે સવા નવ વાગ્યે એક ફોરવ્હીલ કાર રજી.નં. જીજે-૩૬-એલ-૮૪૧૧ના ચાલકે બેદરકારી અને ગફલતભરી રીતે વાહન ચલાવતા કંચનબેન ઉપર કાર ચડાવી દીધી હતી. અકસ્માતમાં કારનું ટાયર શરીર ઉપર ફરી વળતા મહિલાને મોઢા તથા ખંભાના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા તેમજ શરીરે ઈજાઓ પહોંચી હતી.
ઘટના બાદ પરિવારજનો દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ટંકારા સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. હાલ ટંકારા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ બીએનએસ તથા એમવી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





