Wednesday, May 13, 2026
HomeGujaratમોરબી: સમાધાન બેઠકમાં બોલાવી યુવકની હત્યા કરનાર બંને આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ

મોરબી: સમાધાન બેઠકમાં બોલાવી યુવકની હત્યા કરનાર બંને આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ

પીપળીયા ચાર રસ્તા નજીક કોલસાના ડેલા પાસે થયેલા હત્યા કેસમાં એલસીબી અને મોરબી તાલુકા પોલીસની સંયુક્ત કામગીરી.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા નજીક કોલસાના ડેલા પાસે યુવકની છરીના ઘા મારી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા બંને આરોપીઓને એલસીબી અને મોરબી તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે. મોબાઇલ ફોન પર યુવક અને આરોપીની બહેન વચ્ચે વાતચીત મુદ્દે બોલાવાયેલી સમાધાન બેઠક દરમિયાન હુમલો થયો હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી આરોપીઓને ઝડપી આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી આમરણ તરફ આવેલા વિશ્વમ કોર્પોરેશન નામના કોલસાના ડેલા સામે ગત તા. ૧૧/૦૫ના રોજ ન્યુ નવલખી ટાટાનગરના ૨૯ વર્ષીય અબ્બાસ અબ્દુલ સોતાની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેના ભાઈઓ હસન સોતા અને સુલતાન સોતાને પણ પાઇપ અને લોખંડના સળીયાથી માર મારી ઇજા પહોંચાડવામાં આવી હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો, જેની તપાસ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક અબ્બાસ સોતા આરોપી આશીફ ઇલીયાસ દલની બહેન સાથે મોબાઇલ ફોન પર વાતચીત કરતો હતો. આ બાબતને લઇ આશીફ દલ અને તેના બનેવી હુશેન ઉર્ફે ઇબ્રાહિમ સાઇચાએ અબ્બાસ તથા તેના ભાઈઓને સમાધાન માટે બોલાવ્યા હતા.

સમાધાન દરમિયાન ઉશ્કેરાઈ બંને આરોપીઓએ ગાળો આપી જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં અબ્બાસ સોતાને છાતીના ભાગે છરીનો ઘા વાગતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને પણ ઇજાઓ પહોંચી હતી. આ ગંભીર ગુનામાં આરોપીઓ આસીફભાઈ અલીયાસભાઈ દલ અને હુશેનભાઈ અભરામભાઈ ઉર્ફે ઇબ્રાહિમભાઈ સાઇચાને ઝડપી પાડવા એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.સી. ગોહિલ, મોરબી તાલુકા પોલીસ ઇન્ચાર્જ પીઆઈ જે.ડી. સરવૈયા દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીના આધારે પોલીસે બંને આરોપીઓ આસીફભાઈ અલીયાસભાઈ દલ ઉવ.૨૬ તથા હુશેનભાઈ અભરામભાઈ ઉર્ફે ઇબ્રાહિમભાઈ સાઇચા ઉવ.૨૮ બન્ને રહે. નવી નવલખી તા. માળિયા(મી)ને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!