એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની સંયુક્ત કાર્યવાહીમાં વાંકાનેરના ચંદ્રપુર વિસ્તારમાંથી આરોપીની અટકાયત.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી, છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડ્યો છે. આ સાથે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.
મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગ અને વોચમાં હતી ત્યારે પોલીસને ખાનગીરાહે બાતમી મળી હતી કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી, બળજબરીથી કઢાવી લેવું, છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇરફાનભાઈ ઉર્ફે સબીર ઇસ્માઇલભાઈ સમા વાંકાનેરના ચંદ્રપુર ખાતે પોતાના ઘરે હાજર છે. જેથી બાતમીના આધારે એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે ગેલેક્સી પાર્ક વિસ્તારમાં દરોડો પાડી આરોપી ઇરફાનભાઈ ઉર્ફે સબીર ઇસ્માઇલભાઈ સમા ઉવ.૩૪ વાળાને ઝડપી પાડ્યો હતો. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
ઉપરોક્ત સફળ કામગીરીમાં એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. ગોહિલ, પો.સબ ઇન્સ્પેક્ટર બી.ડી. ભટ્ટ, પો.સબ ઇન્સ્પેક્ટર વી.જી. માલાણી તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ રોકાયેલ હતી.






