ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી ફરાર આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના સાંચોરમાંથી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને મોરબી જિલ્લા એસ.પી. મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ એન.ડી.પી.એસ.ના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત વાંકાનેર વિભાગના ડી.વાય.એસ.પી. એસ.એચ. સારડાની સૂચના મુજબ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગ અને તપાસમાં હતી. દરમિયાન ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બી-પાર્ટ ગુનો નંબર 0036/2026 હેઠળ NDPS Act કલમ 08(C), 21(C) અને 29 મુજબના ગુનામાં ફરાર આરોપી અંગે બાતમી મળી હતી. આ ગુનો ગત 13 જાન્યુઆરી 2026ના રોજ ટંકારા ખાતે હરિઓમ સોસાયટી વિસ્તારમાં મોરબી જિલ્લા SOG ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સામે આવ્યો હતો. જેમાં હાર્દિકભાઈ નરેન્દ્રભાઈ ભાડજાના મકાનમાંથી માદક પદાર્થ, વેચાણ માટેની સામગ્રી, રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 2.84 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સહઆરોપી તરીકે બરકતભાઈ ઉર્ફે ઇરફાન હાજીખાન મુસ્લીમનું નામ ખુલ્યું હતું. છેલ્લા ચાર મહિનાથી ફરાર રહેલો આરોપી હાલ રાજસ્થાનના સાંચોર ખાતે હોવાની માહિતી મળતા પોલીસ ટીમે ત્યાં પહોંચી તેને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી બરકતભાઈ ઉર્ફે ઇરફાન હાજીખાન જેરડીયા, ઉંમર 33, મૂળ સાંચોર જિલ્લાના જાલોર વિસ્તારનો રહેવાસી અને ડ્રાયવિંગ કામ સાથે સંકળાયેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.






