મોરબી મહાનગરપાલિકા હદવિસ્તારમાં આવેલા મહેન્દ્રનગર વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ અને સુવ્યવસ્થિત નગર વિકાસને પ્રાથમિકતા આપતા સ્ટ્રોમ વોટર તેમજ ડ્રેનેજ નેટવર્કના અંદાજિત રૂ. 3.81 કરોડના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિસ્તારના નાગરિકોને સ્વચ્છતા, સુવિધા અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બનશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા મહેન્દ્રનગર સારસ્વત સોસાયટી વિસ્તારમાં સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ નેટવર્ક નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા અંતર્ગત આ કામગીરી માટે અંદાજિત રૂ. 3,91,36,706 ની ટેન્ડર રકમ સામે TAPAN INFRASTRUCTURE.CO દ્વારા 2.51 ટકા નીચા ભાવે રૂ. 3,81,54,334.68 નું ટેન્ડર ભરવામાં આવ્યું હતું,જેને મંજૂરી અપાઈ છે.આ વિકાસકાર્ય દરમિયાન વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને મજબૂત બનાવવા સાથે ગટર વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવશે. જેના કારણે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે તેમજ વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે.
ખાતમુહૂર્ત પ્રસંગે વોર્ડ નંબર-૦૩ ના કોર્પોરેટર જીગ્નેશભાઈ કૈલા, ભૂપેન્દ્રભાઈ જારીયા,અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, રમાબેન બોપલીયા, પૂર્વ કાઉન્સિલર પ્રકાશ ચબાડ સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કામગીરી મંજૂર નકશા અને અંદાજ મુજબ સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે.સાથે જ કોન્ટ્રાક્ટ હેઠળની તમામ શરતોનું પાલન કરવા કોન્ટ્રાક્ટર એજન્સીને સૂચનાઓ આપવામાં આવી છે.






