સરકાર-ખાનગી કંપનીઓના સંયુક્ત પ્રયાસોથી ઘરઆંગણે મળી રોજગારીની તક: ઓન-ધ-સ્પોટ ઇન્ટરવ્યૂથી અનેક યુવાનોને મનપસંદ ક્ષેત્રમાં નોકરી મળી સ્વનિર્ભર બનવાનો માર્ગ ખુલ્યો.
રાજ્યના શિક્ષિત યુવાનોને તેમની શૈક્ષણિક લાયકાત અને કૌશલ્ય અનુસાર યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેમજ તેઓ પોતાના પસંદગીના ક્ષેત્રમાં કારકિર્દી ઘડી શકે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં યુવાનોના સશક્તિકરણ અને સ્વનિર્ભરતા માટે મોટા પાયે રોજગાર ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાનગી ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ અને ઔદ્યોગિક એકમોના સહયોગથી યોજાતા આ મેગા ભરતી મેળાઓ રોજગારવાંચ્છુક યુવાનો અને નોકરીદાતાઓ વચ્ચે એક મજબૂત કડી સમાન સાબિત થયા છે. આ નીતિના ભાગરૂપે, મોરબી જીલ્લામાં પણ જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અવારનવાર તાલુકા કક્ષાએ તેમજ જીલ્લા કક્ષાએ ઔદ્યોગિક ભરતી મેળાઓનું સુચારુ આયોજન કરવામાં આવે છે. મોરબી જીલ્લાની ભૌગોલિક અને ઔદ્યોગિક ક્ષમતાને ધ્યાને રાખીને સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ આ મેળાઓ યોજાતા હોવાથી, જીલ્લાના અનેક આશાસ્પદ યુવાનોને પારદર્શક પ્રક્રિયા દ્વારા સીધી રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. ઘરઆંગણે જ રોજગારની શ્રેષ્ઠ તકો મળતાં મોરબીનું યુવાધન આજે આર્થિક રીતે પગભર બનીને ગૌરવભેર જીવન જીવી રહ્યું છે.
સફળ ઉમેદવારોના પ્રેરણાદાયી પ્રતિભાવો:
ટ્રાયલ બાદ સર્જિકલ કંપનીમાં કમ્પ્યુટર ઓપરેટર બન્યા શિવમ પાલ:
મોરબી જીલ્લાના યુવાન શિવમ પાલે પોતાનો અનુભવ વર્ણવતા હતું કે, “મેં ટંકારા ખાતે યોજાયેલા રોજગાર ભરતી મેળાનો લાભ લીધો હતો. ત્યાં મારી લાયકાત મુજબ પ્રાથમિક તબક્કે પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ જરૂરી ટ્રાયલ પ્રક્રિયા પૂર્ણ થતાં જ મને પ્રતિષ્ઠિત સર્જિકલ કંપનીમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી મળી ગઈ છે. હાલ હું માસિક રૂ. ૧૫,૦૦૦/- નો આકર્ષક પગાર મેળવી રહ્યો છું. મને લાયકાત મુજબ આજીવિકા પૂરી પાડવા બદલ હું જીલ્લા રોજગાર કચેરી અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું.”
ગમતા ક્ષેત્રમાં બિલિંગ વર્ક સંભાળતા ઉર્વશીબેન:
વાંકાનેર ખાતે રહેતા ઉર્વશીબેને સરકારના ડિજિટલ અભિગમની પ્રશંસા કરતા જણાવ્યું કે, “મને સોશિયલ મીડિયાના માધ્યમથી વાંકાનેર ખાતે યોજાનાર રોજગાર ભરતી મેળાની જાણકારી મળી હતી. આ મેળામાં અંદાજે ૩૩ જેટલી નામાંકિત કંપનીઓ નોકરીદાતા તરીકે ઉપસ્થિત રહી હતી. મેં ત્યાં રૂબરૂ જઈને ઓન-ધ-સ્પોટ ઇન્ટરવ્યૂ આપ્યું હતું, જેમાં સકારાત્મક પરિણામ સાથે તેજસ કંપનીમાં મારી પસંદગી થઈ હતી. હાલ હું કંપનીના ડિસ્પેચ ડિપાર્ટમેન્ટમાં બિલિંગ વર્કની મહત્વની જવાબદારી સંભાળું છું. મારા મનપસંદ ક્ષેત્રમાં જ મને ગમતી નોકરી મળી જતાં મારો આત્મવિશ્વાસ વધ્યો છે, જે બદલ હું સરકારના આ આયોજનની આભારી છું.”
રોજગાર કચેરીના સઘન અને પારદર્શક આયોજનોના પરિણામે મોરબી જીલ્લાના અનેક પરિવારોના દીપક રોશન થયા છે. ઉદ્યોગોને કુશળ માનવબળ અને યુવાનોને સન્માનજનક રોજગારી પૂરી પાડતા આ ભરતી મેળાઓ સાચા અર્થમાં આત્મનિર્ભર ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરી રહ્યા છે.






