મોરબીના શનાળા રોડ માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં પોલીસે એક્ટીવાની ડેકીમાંથી વિદેશી દારૂના ૧૭ ચપલા સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. આ સાથે પોલીસે દારૂ તથા મોપેડ સહિત રૂ.૪૨,૦૪૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં સપ્લાયરનું નામ ખુલતા તે આરોપીને ફરાર દર્શાવી પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શનાળા રોડ સ્થિત માર્કેટિંગ યાર્ડમાં શંકાસ્પદ હાલતમાં ફરતા એક્ટીવા રજી.નં. જીજે-૩૬-એકે-૮૭૦૫ના ચાલકને રોકી તપાસ કરતા તેની ડેકીમાંથી વિદેશી દારૂની ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હીસ્કીના ૧૭ નંગ ચપલા મળી આવ્યા હતા. જેથી પોલીસે આરોપી ઇમરાનભાઈ અકબરભાઈ ભટ્ટી રહે. મહેન્દ્રપરા આસ્વાદ પાનની બાજુમાં મોરબી વાળાની અટક કરી હતી. પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો પંચાસર રોડના મુસ્તુફા ઉર્ફે ઝેરી ઓસમાણભાઈ સોલંકી આપી ગયો હોવાનું ખુલ્યું હતું. હાલ પોલીસે એકટીવા તથા દારૂ સહિત કુલ રૂ.૪૨,૦૪૦/-નો મુદ્દામાલ જપ્ત કરી, બન્ને આરોપી વિરુદ્ધ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






