વાંકાનેર તાલુકાના નવી કલાવડી ગામે વાડીના શેઢા પાસે પડેલા પથ્થર હટાવવાને લઈને થયેલી બોલાચાલી બાદ સગા ભાઈ સહિત ત્રણ લોકોએ વૃદ્ધ ખેડૂત ઉપર પથ્થર વડે હુમલો કર્યો હતો. હાલ ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે.
વાંકાનેર તાલુકાના નવી કલાવડી ગામે વાડીના શેઢા પાસે પડેલા પથ્થરને હટાવવાની બાબતે સગા ભાઈઓ વચ્ચે વિવાદ થયો હતો. જે બનાવ અંગેની ઇજાગ્રસ્ત વૃદ્ધ ખેડૂત સાજીભાઇ હૈયાતભાઇ ઇબ્રાહીમભાઇ શેરસીયા ઉવ.૬૩ રહે. નવી કલાવડી વાળાએ પોતાના સગા ભાઈ હુશેનભાઇ હૈયાતભાઇ શેરસીયા તથા ભાઈની પત્ની હલુબેન હુશેનભાઇ અને ભત્રીજો રેનીશ હુશેનભાઇ રહે.ત્રણેય નવી કલાવડી તા.વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગત તા.૨૮/૦૬ના રોજ આરોપી હુશેનભાઈએ ખેતરના શેઢા પાસે રહેલ પથ્થર હટાવવાનું તેના ભાઈને કહ્યું હતું. જેથી ફરિયાદી સાજીભાઈએ પોતાનો પુત્ર આવીને પથ્થર લઈ જશે તેમ જણાવ્યું હતું. આ વાતનો ખાર રાખી આરોપી હુશેનભાઈ, તેમની પત્ની અને પુત્રએ ફરિયાદી ઉપર પથ્થર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીને ડાબા હાથ, પગ અને ડાબા પડખાના ભાગે ઇજાઓ પહોંચી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






