હાજરીના રૂપિયાની ઉઘરાણી કરતા થયેલી બોલાચાલી હત્યામાં પરિણમી: છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરનાર બંને આરોપીઓને આજીવન કારાવાસ.
મોરબી તાલુકાના પીપળીયા ગામ નજીક વર્ષ ૨૦૨૧માં મંદિરના વંડા માટે ઉઘરાવેલા ધર્માદાના રૂપિયા ઉઘરાવવા માટે હાજરીમાં રાખેલ બાકી નાણાં માંગવાની બાબતે થયેલી બોલાચાલીમાં અબ્દુલભાઈ કમોરાની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ કેસમાં મોરબીની ત્રીજા એડિશનલ સેશન્સ કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદ તથા દંડની સજા ફટકારી છે.
મોરબી તાલુકાના પીપળીયા ગામ નજીક ૧૬ ઓક્ટોબર ૨૦૨૧ની રાત્રે પીપળીયા રેલ્વે સ્ટેશન સામે ફગસીયા જવાના રોડ પર મંદિરના વંડા માટે રેતીની ગાડીઓમાંથી હાજરીના ઉઘરાવવામાં આવેલા ધર્માદાના બાકી નાણાં માંગવાની બાબતે વિવાદ સર્જાયો હતો. મૃતક અબ્દુલભાઈ હમજાનભાઈ કમોરાએ આરોપી સલીમભાઈ ઈલ્યાસભાઈ કમોરા પાસે હાજરીના બાકી રૂપિયા માંગતા બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. તે દરમિયાન આરોપી અનવરભાઈ ઈકબાલભાઈ કમોરા સ્થળ પર મોટરસાયકલ લઈને પહોંચ્યો હતો. સલીમભાઈએ અબ્દુલભાઈને પકડી રાખતા અનવરે છરી વડે બંને પડખામાં ઘા ઝીંક્યા હતા. ગંભીર ઈજાઓના કારણે બંને કિડનીને નુકસાન પહોંચતાં સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં અબ્દુલભાઈનું મોત થયું હતું. આ અંગે મૃતકના નાના ભાઈ ફિરોજભાઈ હમજાનભાઈ કમોરાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત કેસની સુનાવણી દરમિયાન મદદનીશ સરકારી વકીલ સંજય સી. દવે દ્વારા કરવાના આવેલ કાયદાકીય દલીલો અને રજૂ કરાયેલા ૧૫ મૌખિક અને ૨૮ દસ્તાવેજી પુરાવાઓને આધારે મોરબીના ત્રીજા એડિશનલ સેશન્સ જજે આરોપી સલીમભાઈ ઈલ્યાસભાઈ કમોરા અને અનવરભાઈ ઈકબાલભાઈ કમોરા બંને રહે. નીરૂબેનનગર ચાચાવદેડા માળિયા(મી) વાળાને હત્યાના ગુનામાં દોષિત ઠેરવ્યા હતા. અદાલતે બંનેને આજીવન કેદની સજા ઉપરાંત રૂ. ૫ હજારનો દંડ ફટકાર્યો છે.






