જન્મ-મરણની નોંધણી સિવાયની તમામ મહેસૂલી કામગીરી બંધ: સરકાર સમક્ષ પડતર માંગણીઓના ઉકેલ માટે રાજ્ય તલાટી મહામંડળનો નિર્ણય.
મોરબી: ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આહ્વાનને અનુસરી મોરબી જીલ્લા તલાટી-કમ-મંત્રી મંડળે આજ તા.૦૩ જુલાઈથી જન્મ અને મરણની નોંધણી સિવાયની તમામ મહેસૂલી કામગીરી બંધ રાખવાની જાહેરાત કરી છે. પડતર માંગણીઓ, ખાસ કરીને જોબચાર્ટ નક્કી કરવાની માંગ અંગે સરકાર તરફથી હકારાત્મક નિર્ણય ન આવતા આ પગલું ભરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય તલાટી મહામંડળે પોતાની વિવિધ પડતર માંગણીઓના ઉકેલ માટે રાજ્યવ્યાપી આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર કર્યો છે. તેના ભાગરૂપે મોરબી જીલ્લા તલાટી-કમ-મંત્રી મંડળે તમામ તલાટી-કમ-મંત્રી મિત્રોને સૂચના આપી છે કે આજથી, એટલે કે ૦૩ જુલાઈ ૨૦૨૬થી જન્મ અને મરણની નોંધણી સિવાયની તમામ મહેસૂલી તેમજ વધારાની કામગીરી બંધ રાખવામાં આવશે. જોકે જન્મ અને મરણની નોંધણીની કામગીરી યથાવત ચાલુ રહેશે. મહામંડળના જણાવ્યા મુજબ, તલાટી-કમ-મંત્રીઓ માટે જોબચાર્ટ નક્કી કરવા સહિતની વિવિધ માંગણીઓ અંગે સરકાર સમક્ષ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં અત્યાર સુધી કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. આથી રાજ્ય મહામંડળે વધારાની કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
મહામંડળે વધુમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારે નવા રેવન્યુ તલાટીઓની નિમણૂકના આદેશો જાહેર કર્યા બાદ હાલના તલાટી-કમ-મંત્રીઓ માત્ર પોતાની મૂળભૂત જવાબદારીઓ જ નિભાવશે અને વધારાની સોંપાયેલી કામગીરીથી અળગા રહેશે. આ નિર્ણયનો રાજ્યભરમાં ચુસ્ત અમલ થાય તે માટે તમામ જીલ્લા અને તાલુકા કક્ષાના હોદ્દેદારોને સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા કલેક્ટરને પણ આ અંગે સત્તાવાર જાણ કરવા જણાવાયું છે.






