ડુંગરપુર ગામે બોલાચાલી બાદ લાકડાનો ધોકો લઈને આવી ગામ બહાર કાઢ્યા.
હળવદના ડુંગરપુર ગામની પરિણીતાએ પોતાના મોટાભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં સાત વર્ષ પહેલાં લવ મેરેજ કર્યાનો ખાર રાખી આરોપીએ બહેન અને તેના પતિને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ હળવદ પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના પીપળી ગામે શિવ પાર્ક સોસાયટીમાં રહેતા લતાબેન અનિલભાઈ આકરીયા ઉવ.૨૭એ હળવદ પોલીસ મથકમાં પોતાના મોટાભાઈ આરોપી અશ્વિનભાઈ હનુભાઈ વિઠ્ઠલપરા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે કે તેમણે સાત વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા, જેનો ખાર તેમના મોટાભાઈ અશ્વીનભાઈ રાખતા હતા. આ દરમિયાન ગત ૯ જુલાઈએ ફરિયાદી લતાબેન પરિવાર સાથે ડુંગરપુર ગામે ગયા હોય ત્યારે આરોપી અશ્વિનભાઈ લાકડાનો ધોકો લઈને ત્યાં આવી અને ગાળો બોલી તેમને ગામમાં ન આવવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં હળવદની એક હોટલમાં પણ આરોપીએ ફરીથી પરિણીતા અને તેના પતિ સાથે બોલાચાલી કરી ધમકીઓ આપી હતી. હાલ સમગ્ર મામલે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






