મોરબી જિલ્લામાં જેતપર ખેડૂત આંદોલન વચ્ચે ફરી એક વખત આંદોલન સાથે સંકળાયેલા વ્યક્તિના ઔદ્યોગિક એકમમાં સરકારી વિભાગોની તપાસ હાથ ધરાતા ચર્ચાનો માહોલ સર્જાયો છે. આંદોલન સમિતિના સભ્ય વૈભવ અમૃતિયાના ફેરોલી જીપશીટ એલએલપી નામના જીપ્સમ પ્રોડક્ટના કારખાનામાં આજે વિવિધ વિભાગોની ટીમો પહોંચી તપાસ હાથ ધરી હતી.
માહિતી મુજબ કારખાનામાં ખાણ અને ખનીજ વિભાગ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ સહિતન વિભાગના અધિકારીઓ દ્વારા દસ્તાવેજો અને અન્ય મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. જોકે તપાસનો ચોક્કસ વિષય શું છે અથવા કઈ ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે અધિકૃત માહિતી જાહેર કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયા ઉર્ફે કાળુ અમૃતિયાના સ્ટોન ક્રશર કારખાનામાં ખાણ અને ખનીજ વિભાગ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી હતી. સતત બીજા દિવસે આંદોલન સાથે જોડાયેલા વ્યક્તિના કારખાનામાં તપાસ થતાં ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા લોકોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.
જો કે, બંને કાર્યવાહીને લઈને જિલ્લા તંત્ર કે સંબંધિત વિભાગો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે તપાસનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી. પરિણામે તપાસની હકીકત અને તેના કારણોને લઈને અનેક અટકળો ચાલી રહી છે. અધિકૃત માહિતી જાહેર થયા બાદ જ સમગ્ર મામલાની સ્પષ્ટતા થશે.






