સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા માનસધામ સોસાયટી સામે અકસ્માત સર્જાયો: પત્નીની ફરિયાદના આધારે ગુનો દાખલ.
મોરબી તાલુકાના પીપળી ગામ નજીક જેતપર-મોરબી રોડ પર બાઈકનું સમતોલન ગુમાવી રોડની સાઈડના ખાડામાં પડતા ૩૩ વર્ષીય સિરામિક કર્મચારી ડેનીશભાઈ ડેડકીયાનું મોત થયું હતું. બનાવ અંગે પત્નીની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે મૃતક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના પીપળી ગામ પાસે માનસધામ સોસાયટી સામે થયેલા માર્ગ અકસ્માતમાં સિરામિક કારખાનામાં નોકરી કરતા ડેનીશભાઈ રામજીભાઈ ડેડકીયા ઉવ.૩૩ રહે.ઉમા રેસીડેન્સી મોરબી-હળવદ રોડ આઈટીઆઈની સામે તા.જી.મોરબી મુળ રહે.ગામ કલાણા તા. ધોરાજી જી.રાજકોટ વાળાનું મોત થયું છે. તેઓ ૮ જુલાઈના રોજ બપોરે કારખાનામાં ફોલ્ટ હોવાના કારણે પોતાના હોન્ડા સાઈન રજી.નં. જીજે-૩૬-એકે-૫૧૪૫ મોટરસાયકલ પર નીકળ્યા હતા. ત્યારે મોડી રાત્રે ઘરે પરત ફરતી વખતે જેતપર-મોરબી રોડ પર બાઈકનું સમતોલન ગુમાવતા રોડની સાઈડમાં આવેલા ખાડામાં બાઈક સાથે ખાબક્યા હતા. આ અકસ્માતમાં ડેનીશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે મૃતકની પત્ની રૂપાબેન ડેનીશભાઈ ડેડકીયાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે મૃતક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






