વાંકાનેર તાલુકાની સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનીજનો સંગ્રહ કરનાર બે શખ્સો સામે કાર્યવાહી.
મોરબી એસઓજી ટીમે વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે કોલસો અને ફાયર ક્લેનો સંગ્રહ કરતા બે શખ્સો સામે કાર્યવાહી કરી છે. પોલીસે રૂ.૮૦ લાખના ડમ્પર અને હિટાચી મશીન સહિત આશરે ૮૫૦ મેટ્રિક ટન શંકાસ્પદ ખનીજ જપ્ત કરી ખાણ-ખનીજ વિભાગને જાણ કરતા તેઓએ આગળની તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. ગોહિલની ટીમે વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે કાર્યવાહી હાથ ધરી હતી.
પેટ્રોલિંગ દરમિયાન વસકાનેર તાલુકાના ચિત્રાખડા ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખનીજનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું સામે આવતાં પોલીસે આરોપી દાનાભાઈ બાલુભાઈ ડાભી રહે. વર્માધાર તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર અને આરોપી અમૃતભાઈ માધાભાઈ કેરાળીયા રહે. ઉન્ડવી રાણીપાટ તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર વાળાના કબજા-ભોગવટાવાળી સરકારી જમીન પર દરોડો પાડ્યો હતો.
કાર્યવાહી દરમિયાન પોલીસે જીજે-૧૩-એએક્સ-૭૨૩૪ નંબરનું અંદાજે રૂ.૩૦ લાખનું ડમ્પર, રૂ.૫૦ લાખનું ટાટા કંપનીનું હિટાચી મશીન તેમજ આશરે ૮૫૦ મેટ્રિક ટન શંકાસ્પદ કોલસો અને ફાયર ક્લેનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સાથે જપ્ત કરેલ સમગ્ર મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી માટે ખાણ અને ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે.






