જામનગરથી વાંકાનેર સીટી પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના રૂ.૨.૧૮ કરોડથી વધુના મુદ્દામાલવાળા પ્રોહિબીશન કેસમાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને વાંકાનેર સીટી પોલીસે જામનગરથી ઝડપી પાડ્યા છે. આ કેસમાં રૂ.૧.૯૩ કરોડથી વધુનો વિદેશી દારૂ-બીયર તથા ટ્રક સહિતનો મુદ્દામાલ અગાઉ ઝડપાયો હતો. પકડાયેલ ત્રણેય આરોપીઓ બહુ મોટો ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજી.નં.૦૨૪૪/૨૦૨૬ના પ્રોહિબીશનના ગુનામાં ધરપકડ ટાળવા છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડ્યા છે. મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ કેસમાં આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણું કરી બંધ બોડીની અશોક લેલન ટ્રક નં. આરજે-૧૪-જીપી-૪૫૦૬માં ગુજરાતમાં વેચાણ માટે વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો રાખી હેરાફેરી કરવામાં નામ ખુલ્યા હતા. સાથે જ ફૂડ શોપની ખોટી બિલ્ટી, ઈ-વે બિલ અને ઇનવોઇસ બનાવી તેનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી પૂર્વઆયોજિત કાવતરું રચ્યાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
પોલીસે અગાઉ આ કેસમાં ૨૮,૫૮૪ બોટલ વિદેશી દારૂ કિ.રૂ.૧,૮૬,૫૦,૪૦૦/- તેમજ ૩,૧૬૮ નંગ કિંગફિશર બીયરના ટીન કિ.રૂ.૬,૯૬,૯૬૦/- મળી કુલ રૂ.૧,૯૩,૪૭,૩૬૦/-નો દારૂ-બીયરનો જથ્થો કબજે કર્યો હતો. આ ઉપરાંત ટ્રક, મોબાઇલ, રોકડ સહિત કુલ રૂ.૨,૧૮,૫૫,૫૬૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી (૧)સુનીલ ઉર્ફે ભુતી ધનજીભાઈ ડોણાસીયા ઉવ.૨૮ રહે.નાગેશ્વર પાર્ક વાકોલ માતાજીના મંદીર સામે જામનગર, (૨)રોહીત ઉર્ફે કાનો ચંદુભાઈ લીંબડ ઉવ.૪૩ રહે.શંકર ટેકરી સુભાષપરા શેરી નં.-૨ ભાણુભાની દુકાનની બાજુમાં જામનગર, તથા (૩)સુનીલ ઉર્ફે સાગર હમીરભાઈ માણેક ઉવ.૩૧ રહે.મયુરનગર વામ્બે આવાસ જામનગ વાળાની ઉપરોક્ત ગુનામાં સંડોવણી અને મદદગારી ખુલતા પોલીસે તેમના રહેણાક સ્થળોએ વારંવાર તપાસ કરી હતી. જોકે તેઓ મળી આવ્યા ન હતા. બાદમાં વાંકાનેર કોર્ટમાંથી વોરંટ મેળવી તેમને નાસતા ફરતા જાહેર કરવામાં આવ્યા હતા.
દરમિયાન વાંકાનેર સીટી પોલીસના પીએસઆઇ કે.એચ. ભોચીયા અને પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ ઝાલાને ખાનગીરાહે બાતમી મળી કે ત્રણેય આરોપીઓ હાલ જામનગરમાં છે, જેથી વાંકાનેર સીટી પોલીસ ટીમે કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને જામનગરથી ઝડપી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓ પૈકી સુનીલ ઉર્ફે સાગર વિરુદ્ધ અગાઉ પણ અનેક પ્રોહિબીશન સહિતના ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે રોહિત ઉર્ફે કાનો અને સુનીલ ઉર્ફે ભુતી વિરુદ્ધ પણ અગાઉના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.






