કચ્છથી અમદાવાદ કતલખાને લઈ જવતા જીવોને છોડાવી પાંજરાપોળ ખાતે મોકલ્યા.
કચ્છના અંજાર તરફથી માળીયા થઈ અમદાવાદ તરફ કતલખાને લઈ જવાતા હોવાની બાતમીના આધારે ગૌરક્ષકોએ માળીયા નજીક બોલેરો ડબલ ડેકર ગાડી રોકી હતી. તપાસ દરમિયાન ગાડીમાં ઉપર-નીચેના માળે ક્રૂરતાપૂર્વક ભરેલા ૪૫ ઘેટા મળી આવતા તમામ જીવને બચાવી આરોપીઓને પોલીસને સોંપવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ ગિક તા.૦૮/૦૮ના રોજ વહેલી સવારે મોરબી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી, રાષ્ટ્રીય સનાતન સેના, હિન્દુ યુવા વાહિની તેમજ ચોટીલા અને લીંબડીના ગૌરક્ષકોને બાતમી મળી હતી કે કચ્છ તરફથી માળીયા-હળવદ થઈ અમદાવાદ તરફ એક પીકઅપ વાહન રજી.નં. જીજે-૦૧-એલટી-૫૩૬૯માં મોટી સંખ્યામાં ઘેટાને ક્રુરતા પૂર્વક બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે મળેલ બાતમીના આધારે ગૌરક્ષકોએ માળીયા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન ઉપરોક્ત ટાટા બોલેરો પીકઅપ ગાડી ત્યાંથી પસાર થતાં તેને રોકી તપાસ કરવામાં આવી હતી. ગાડીમાં ઘેટાને ઉપર-નીચેના માળે હલનચલન પણ કરી શકે તેવી સ્થિતિમાં, ઘાસ-પાણીની કોઈ વ્યવસ્થા વગર બાંધીને લઈ જતા હોવાનું સામે આવ્યું હતું.
જે બાદ બોલેરો ગાડીના ચાલકની પૂછપરછ દરમિયાન ઘેટા કચ્છના અંજાર તરફથી ભરવામાં આવ્યા હોવાનું અને અમદાવાદ કતલખાને લઈ જવાતા હોવાની કબુલાત આપી હતી. ત્યારબાદ ગાડી અને તેમાં ભરેલા ૪૫ ઘેટાને માળીયા પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રુરતા અધિનિયમ હેઠ ગુનો નોંધી, તમામ જીવોને માળીયાના ખાખરેચી પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હતા.






