વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ટંકારા ખાતે ‘જય જોહાર આદિવાસી ગ્રુપ’ દ્વારા એક ભવ્ય અને ઉત્સાહસભર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટંકારા તાલુકાના સમગ્ર આદિવાસી સમાજના લોકો, અગ્રણીઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો હતો.
રેલીનો પ્રારંભ સવારે ૧૦:૦૦ વાગ્યે ટંકારા સ્થિત બાબા સાહેબ આંબેડકર હોલ ખાતેથી થયો હતો. સૌપ્રથમ ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, ત્યારબાદ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ ભવ્ય રેલી લતીપર હાઈવે થી દેરી નાકા મેઈન રોડ, ઘેટિયા વાસ, ઉગમણા નાકા, અમરાપર રોડ અને ખિજડીયા ચોકડી થઈ લતીપર હાઈવે પર આવેલ આંબેડકર હોલ ખાતે પરત ફરીને પૂર્ણ થઈ હતી. રેલી દરમિયાન ટંકારાની બજારો અને માર્ગો ‘જય જોહાર’ અને ‘જય જય બિરસા મુંડા’ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યા હતા
‘જય જોહાર આદિવાસી ગ્રુપ – ટંકારા’ના પ્રમુખ નવધણભાઈ ગોહિલ તથા સમગ્ર કમિટીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ટંકારા તાલુકાના આદિવાસી સમાજના અગ્રણીઓ, પરિવારજનો, યુવાનો તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને રેલીને સફળ બનાવી હતી.






